લોકપ્રિય પોસ્ટ્સ

મંગળવાર, 5 જુલાઈ, 2011

હરીશ મંગલમ

English translations on http://gujaratidalitsahitya.blogspot.in/2009/08/poems-by-harish-mangalam.html






















અર્થ

હે કવિતાદેવી
મારે  તને નચાવવી છે વાસ્તવિકતાના પડદા પર.
અમે ક્યારેય મેઘધનુષી સપ્તરંગો માન્ય નથી,
એ જ આકાશમાં
એક પછી એક ખરતા તારાઓ જોઈ 
ઇન્દ્રરાજ્યમાંથી
મારે ઘેર પગાયણ કરવું છે.
જો
ઓકળીઓમાં ટળવળતાં ટેરવાં
ખંડેર  છાપરાંનાં નળિયાં આઘાં કરી
કેટલી બધી રાહ જોઈ રહ્યાં છે .
પરીઓના દેશમાં ઊડવું સહેલું છે.
તને પાંખો ફૂટે :એ સ્વાભાવિક છે.
પણ
ચાલ ઉઘાડા પગે કાંટાળી ભૂ પર
વાદળઘોડા પર સવારી કરવાનું બંધ કર
અહીં સ્લેટપેનદફતર વિહોણાં બાળકો
એકીટશે સામું તાકી રહ્યાં છે : ટગર ટગર
તારા શબ્દબદ્ધ દેહમાંથી એની વાચા ફૂટશે ?
કે ,અગરમગર !
તારાં શ્રવણકેન્દ્રો
મંજુલ રાવ સાંભળવા ટેવાયેલાં છે .
માનવચીસ સાંભળી છે કદી ?
તને સાંભરી આવે તારો સૌન્દર્યલક્ષી  દેહ
શબ્દે શબ્દ ખોડંગાય: મળે અમને છેહ
તું ફૂલાઈ ગઈ ફૂલણની જેમ -
તું પોમાઈ ગઈ ચકલી ફડૂકે ચડે એમ –
તું છકી ગઈ સુંદર રંગોળી જોઈ –
પણ
મારે તને નચાવવી છે વાસ્તવિકતાના પડદા પર 
ને, સમજાવવો છે વેલીના મુરઝાવાનો અર્થ.



તૂટેલી ખાટલીની ઇસ પર


એમ તો ભણીગણીને હોંશિયાર થયો છું , મા!
બાળપણમાં મારાં બંને ફૂલાઓ પરથી ફાટેલી ચડ્ડી
અને
પહેરણની બાંયના કોલર પર જામેલ
હિંદસંસ્કૃતિમેલ  જોવા નહીં મળે, કદાચ !

સૂરજ ઊંઘતાં જ ઘરાકવટામાં મળતી છાશ
ઓલ્લું ભરીને, મા! તું અનુભવતી આખ્ખા દિ’ની હળવાશ;
એમાં હતી અમારી ઊની લ્હાય હાશ.
એટલે જ –
વેઠ,છાશ,અસ્પૃશ્યતા, રોટલો:
અમારું ભર્યુંભર્યું જીવન.
જેઠાભા પણ, સુધરી જેવી જ સૂઝ ધરાવતા:
એમનું કીમિયાગર વણાટકામ
ને પછેડીના પોતની સોળ તાણી આખ્ખો મુલક ઊંઘતો
અને
અમારી ઊંઘ હરામ !
એ ભાથું ખોલું ત્યાં તો
શાળાનો હાથો ઉદાસ
ને રેંટિયાનું રૂગું શીદ થાય બંધ
એની ત્રાકે તલસે ટેરવાંનું સંવેદન
છતાંય,
આખ્ખો મુલાક બદલાઈ ગયો છે.
એ લોકો ઊલટ-સુલટ
એ લોકો આઘાપાછા
એ લોકો ડાબે-જમણે
એ લોકો જમણે-ડાબે
એ લોકો ટેઢામેઢા થઇ ગ્યા છે, આ શહેરમાં
ને, ખુદથી રહે છે ખુદ કોટી કોસ દૂર.
આજે ઊબકા આવે છે સતત...
ત્યારે
એક જબ્બરદસ્ત વાવાઝોડાથી
અવસ્થા ફંગોળાય
એની પ્રતીક્ષામાં બેઠો છું યુગોથી
તૂટેલી ખાટલીની ઇસ પર...

 
કેન્સર

સુખની લાગણીઓ
દુ:સ્વપ્નની જેમ ટાંપીને બેઠી છે
અનંતકાળથી
ને, ના- જોવાનું જોઈ રહ્યો છું.
વિસ્ફારિત-લાલચોળ-સુક્કીભઠ આંખોથી-
વૃક્ષની પીઠે વિસ્તરતી જતી કેન્સર ગાંઠ ,
એમાંથી સતત દદડ્યા કરતુ પીળું-ઘટ્ટ પરુ...
કે’છે –
કેન્સર જીવલેણ રોગ છે
જે ધીરે ધીરે
ઉકરડામાં ખદબદતા કીડાઓની જેમ ફોલી ખાશે આ મૂલ્યોને.
સાચ્ચે જ !
મને પણ હળું હળું પરચો થયો’તો આ કેન્સરનો
પ્રથમાચાર્ય બાલકદેવ  ગોકળદાસ
અને સાચા ધર્મી હોવાના દેખાવ પૂરતી
ટેબલ પર મૂકેલી ગીતા.
પછી નાકનાં ટેરવાં સુધી ઊતરેલ ચશ્માંમાંથી કરડી નજરે જોઈ
છૂટી ફટકારી’તી નેતરની સોટી ( અભડાઈ જવાની બીકે !)
જે સોંસરવી વાગી’તી મારાં અસ્પૃશ્ય કાળજે.
એ ઘા થકી
અસ્પૃશ્ય સોજો એવો ને એવો અકબંધ છે મારા  કાળજે
બા.ગો.ની  નેમ પ્લેટ સાથે !
કદાચ કાળ હશે એ પળ – મારાં જન્મ ટાણે ?
રોગ હશે એ પળ – મારા શાળા પ્રવેશે ?
ઉદ્વેગ હશે એ પળ – મારાં સમાજને કપાળે ??
અકળ મૂંઝવણમાં અટવાઈ ગયો છું  વર્ષોથી.
હવે બા.ગો.નથી.
પણ અગણ્ય જંતુઓ ભમે છે કેન્સરનાં બા.ગો.નાં વારસામાં
સાચ્ચે જ !
કેન્સર જીવલેણ રોગ છે
ને, એની કોઈ દવા નથી.
પાછી એ જ નેતરની સોટી, બા.ગો.,અસ્પૃશ્ય સોજો...
હવે, એક પછી એક પાંદડાંનું ખરવું....
ને,
વૃક્ષ હાંફતું  જ જાય છે,
પવનના ઝપાટે તડ તડ કરતીક  ડાળીઓ તૂટે છે...
એકાએક આકાશમાં
સંધ્યાનો લાલચોળ રંગ
મારી આંખોમાં  ક્યાંથી ઊતરે છે ધીમે ધીમે અંધકારના  ઓળા લઇ ???


સ્પર્શ

ખેતરના થોરીયાની વાડમાંથી
ડેડા વીણતાં-
ગામના ચોરે મારો પડછાયો લંબાતા-
અધ્ધર હાથે છાશ લેતાં-
રેશનીંગની  અલગ લાઈનમાં ઊભા રે’તાં-
શાળા કે’તાં- ધત્ત તેરેકી છેવાડે બેસતાં-
ખેડૂતોની હાયવલૂરા કરતાં-
 હવે કેટકેટલી યાદી લંબાવું દોસ્તો?

આમ જ બધી દિશાએથી
ફણાળું ફેણ ફૂત્કારી ફૂંફાડ્યો
સંસ્કૃતિની મોરલીના કાને કાને ફણગ્યો
એના લયમધુરા સૂરે અમને મધુર થૈને ડસ્યો
પીટ્યો રૂંવેરૂંવે પ્રસર્યો
તડકો ભડકો થૈને ઊઠ્યો
દોડ્યો
સળગ્યો
હવામાં હળવે હળવે પેઠ્યો
વાદળ ફટ ફટાક ફાટ્યાં
સૂરજ નીલો થૈ ઝંખવાયો
ત્યારે
આ બિનસાંપ્રદાયિક અસ્પતાલમાં
એકેય પથારી ખાલી નહોતી
જોકે ,આમ જોતા આખ્ખી ખાલી ખાલી હતી !
તેવામાં
ડો ગાંધીએ ચશ્માંની દાંડીએ આરપાર ઝીણું ઝીણું કાંત્યું પણ ઝેર તો તીણું તીણું ભોંક્યું !
પછી
વૈશાખનંદનની મુદ્રા ધારણ કરીને
પ્રિસ્ક્રીપ્શનનાં પાટિયાં ભર્યા, હોંચી
દેશ આખામાં ઘૂમી આવ્યો, હોંચી
દવા નામે – ડીંડક ડીંડક, હોંચી
સમય કોચે કચકચ , હોંચી
પડછાયાને ઝેર પીતું, હોંચી
દાક્તર થથરી ઊઠ્યું, હોંચી
આ હોંચી હોંચીની ચળવળની ચળ પછી
અંતિમ શ્વાસની તીક્ષ્ણ ધાર પર
ડાઈંગ ડેકલેરેશનમાંથી ડબ ડબ ડબાક
આંસુ ખર્યા શબ્દ રૂપે!
‘અમને આપો
અમારો અધિકાર છે, અમને આપો
અમને પાછો આપો
પેલા થોરીયાની વાડ પરના કૂણાકચ વેલાનો સ્પર્શ
હૂંફાળો સ્પર્શ માત્ર.’



દમિયલ લોકલ


વર્ષો થ્યાં
મારું ગોમ્ છોડ્ય ‘લ્યા કૉનિયા !
ઓના કરતો તો ભલું મારું કુંડને, ભલો મારો નખલો.

મનં ન’તો આ શહેરનો વિશ્વાસ
તેથી ફડાક દઈ કઈ દીધું’તું મારા બાપ ખેમાને:
‘પરાંણે હું કાંમ ધકેલો સો?’
‘પણ,નેનર! હું ખાહો મારાં ખાહરો?
-જેવું વળતું હણહણતું  તીર ભોંકાયું’તું મારાં કૉને તેથી જ
ઘેંશનો ડૂવો અન્ બાજરાનો રોટલો છોડી
આયો’તો આંય અમદા’દમાં, રોળ કમાવા !
અનં જોતરઈ જયો’તો મિલના હોચામાં
પછ , રાક્ષસી હોંચાની સ્પીડ વધતી જ ગઈ
વધતી જ ગઈ ...
તાર તૂટતા ગયા
તૂટતા જ ગયા...
એકડીબગડી –તગડી ચોગડી, છગડી, ને
બાકી રઇ જતું’તું  તે ઈંમ ઉમેરાઈ આઠડી !
અવ પગ જ્યાં પાટણ
હાથ જ્યા હાથીજણ ;
-ન્ બંધઈ જઈ મારી ઠાઠડી...
ત્યાં એકાએક બંધ ભૂંગળાંનું બિહામણું મૌન
ને રૂના ફોદા ચોંટી જ્યા કફની જેમ – છાતીના પાટિયામાં ...
આ શહેરના કૉન્ બ્હેર મારી જ્યા છ
કોઈ હોંભળ ઇમ નથી.
જે લોકલમાંથી ઊતર્યો હતો એ લોકલના પ્લેટફોર્મ પર
સ્મરણો વીંટળી વળ્યાં, ખામોશ...


















એમાં નજરે ચડ્યા શેઠિયા ગાંધીજીના તૈણ વાંદરામાં:
પહેલો શેઠિયો: જૂઠું બોલી- શોષણ કરી છેતર્યા છે તમને.
‘મિલનાં ભૂંગળાં કેમ બંધ?’ એવું પૂછશો નહીં.
મને,મહાજનને ખબર છે( તેથી જ સ્તો મારા મોં
ઉપર મેં મૂકી દીધો છે પોલીસ્ટરનો તાકો ! )
બીજો શેઠિયો:   તમારી ચીંથરેહાલ ભડભડ સળગતી કાયાને મારે
નથી જોવી. એ તો મેં જ પેટ્રોલ છાંટી ,
દીવાસળી..(તેથી જ સ્તો, હાંચાનાં  ચક્રો ચડાવી
દીધાં છે મારી આંખો આડે !)
ત્રીજો શેઠિયો:   તમારી ચીસાચીસ – ‘બંધ મિલો ચાલુ કરો’
                ‘શાંતિમાં નથી ક્રાંતિ’ – આ બધું મારે નથી
                સંભાળવું. ( લ્યો, તેથી જ સ્તો, મારાં કાનમાં ખોસી
                દીધાં છે બંધ મિલોનાં ભૂંગળાં !)
ત્યાં તો-
લોકલના સમયના સથવારે તીણી ચીસ
ને, કૉનિયો બબડી ઊઠ્યો:
‘ભલો મારું કુંડ
ને, ભલો મારો નખલો.’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.